કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 17 સપ્ટેમ્બર, 2012

શું એમના પેટ ચીરવા જોઇએ?


વિજયનગર તાલુકાના વણજ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સાપ્તાહિક મેનુનું આ બોર્ડ જણાવે છે, સોમવારે બાળકોને 180 ગ્રામના (માપી તોલીને) ખીચડી-શાક આપવામાં આવે છે, જેમાં 100 ગ્રામ ચોખા, 20 ગ્રામ કઠોળ, 10 ગ્રામ તેલ રહેશે. તબીબીશાસ્ત્ર કહે છે કે, એકથી ત્રણ વર્ષના તંદુરસ્ત બાળકને રોજ તેના પાઉન્ડ (એક કિલોના 2.20 પાઉન્ડ થાય) વજન દીઠ 0.55 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. પાંચમા ધોરણમાં ભણતા બાળકનું વજન માત્ર વીસ કિલો હોય તો પણ તેને 20 ગ્રામ કરતા વધારે પ્રોટીનની જરૂર પડે.

હવે આ આંકડાઓના સંદર્ભમાં ગુજરાત સરકાર આદિવાસી બાળકોની મધ્યાહ્ન ભોજન યોજનાના નામે કેવી મશ્કરી કરે છે તે જુઓ. મોદી સરકારના પ્રધાન મંડળમાં પેલો પાડા જેવો, મુંબઇનો એક વેળાનો ગુંડો, પુરુષોત્તમ સોલંકી જુઓ. આ લોકો રોજ કેટલું ઝાપટે છે (અન્ન અને પ્રજાનો પૈસો બંને) એની જાણકારી ગુજરાત હાઇકોર્ટ આપશે કે પ્રજાએ એમના પેટ ચીરવા પડશે?

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

વૈશ્વિક ભૂખ સેન્સેક્સ


1998માં વિશ્વ બેન્કે દુનિયામાં ભારતને કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાની દ્રષ્ટિએ બાંગ્લાદેશ પછી બીજા નંબરે મૂક્યો હતો. સમગ્ર વિશ્વમાં કુપોષિત બાળકોનું પ્રમાણ ભારતમાં સૌથી વધારે છે અને આફ્રિકાના દેશો કરતા પણ બમણું છે. સંયુક્ત રાષ્ટ્રોના અંદાજ પ્રમાણે, ભારતમાં દર વર્ષે 21 લાખ બાળકો પાંચ વર્ષની ઉંમરે પહોંચતા પહેલાં મરી જાય છે. એટલે કે દર મિનીટે ભારતમાં ચાર બાળકો મૃત્યુ પામે છે અને તે પણ ઝાડા, ટાઇફોઇડ, મેલેરીયા, ન્યુમોનીયા, અછબડા જેવા મટાડી શકાય તેવા મામુલી રોગોને કારણે. આ દેશમાં રોજ 1000 બાળકો તો માત્ર અતિસારને કારણે મરી જાય છે. 

સેન્સેક્સ પાછળ ગાંડા ગાંડુ સટોડીયાઓને ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (જીએચઆઈ)ની કદાચ ખબર નહીં હોય. 2011ના જીએચઆઈ અહેવાલે ભારતને ભૂખમરાની પરિસ્થિતિમાં જીવતા દુનિયાના ટોપ ફિફ્ટીન દેશોમાં મૂક્યો છે. વાંચીને હરખની હેલી ચડે છે નહીં? હજુ આગળ વાંચો. આ અહેવાલે 1996થી 2011ની વચ્ચે જેમનો જીએચઆઈ 22.9થી વધીને 23.7 થયો હોય તેવા ત્રણ દેશોમાં ભારતની ગણના કરી છે, જ્યારે 81 વિકાસશીલ દેશો પૈકીના 78 દેશોનો જીએચઆઈ ઘટ્યો છે. અને આ દેશોમાં પાકિસ્તાન, નેપાલ, બાંગ્લાદેશ, વિયેતનામ, કેન્યા, નાઇજીરીયા, મ્યાનમાર, યુગાન્ડા, ઝિમ્બાબ્વે અને મલાવીનો સમાવેશ થાય છે. 

આ આંકડા વાંચ્યા પછી સજ્જનો તમને સવાલ થવો જોઇએ કે તો પછી આપણા આ દેશમાં ટાટા અને બિરલા, અંબાણી અને એસ્સાર, વેદાન્ત અને માલ્યાથી માંડીને આઇપીએલના સટોડીયાઓ અને હર્ષદ મહેતાઓ, કેતન પરીખો અને નીરા રાડીયાઓ, મુરારી બાપુઓની રામાયણો અને શ્રી શ્રી રવિસંકરોના અન્નકુટોની જ કેમ બોલબાલા છે? ઉત્તર પ્રદેશનું દર પાંચમુ બાળક કુપોષણથી પીડાય છે અને આવા બાળકોની કુલ સંખ્યા ત્રણ કરોડ છે. કોંગ્રેસ કે બીજેપી, મુલાયમ કે માયાવતી – કોઇનેય આ મરવાના વાંકે જીવતા બાળકો દેખાતા નથી? આ બાળકોની કઈ જાત છે? કયો ધરમ છે? 

જે દેશની સંસદમાં તદ્દન નકામા, ખોડા ઢોર જેવા સાંસદો માટે માત્ર એક રૂપિયામાં ચા, સાડા પાંચ રૂપિયામાં સૂપ, દોઢ રૂપિયામાં દાળ, એક રૂપિયામાં રોટલી, ચાર રૂપિયામાં ઢોંસો, આઠ રૂપિયામાં વેજ બિરયાની, તેર રૂપિયામાં ફિશ મળતા હોય એ દેશમાં બાળકોની આ હાલત માટે આ પરમ પવિત્ર સંસદસભ્યો જવાબદાર છે એમ કહેનારને તો જરૂર આતંકવાદી જ કહેવામાં આવશે. શું સુષ્મા કે શું સોનીયા, શું બીજેપી કે શું કોંગ્રેસ – કોણ આ પરિસ્થિતિ માટે જવાબદાર નથી?

દર વર્ષે એક અબજ ઇંડા પેદા કરતા ગુજરાતના 40 ટકા બાળકો કુપોષિત છે. આવતી કાલે યુરોપનું પેટ ભરવાની ડંફાસો મારતા નરેન્દ્ર મોદીના ગુજરાતમાં 40 ટકા બાળકો મરવાના વાંકે જીવે છે. એમાં મુખ્યત્વે દલિત, આદિવાસી, પછાત વર્ગના બાળકો છે. મોદીના પ્રધાન મંડળના લગભગ તમામ પ્રધાનો પાડા જેવા, ચરબીથી ભરેલા, અદોદળા છે અને મોટાભાગના પ્રધાનો 70 કિલોથી વધારે વજન ધરાવે છે. ગુજરાતના બાળકોના હિસ્સાનું મોટાભાગનું અનાજ તો આ પ્રધાનો જ ખાઈ જતા હશે. આ પ્રધાનો રોજ કેટલા કિલો અન્ન ખાય છે એની જાણકારી મેળવવા આરટીઆઈ કોણ કરશે?