કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 23 મે, 2013

સર્વ ભિક્ષા અભિયાન




ઇન્ડીયન એક્સપ્રેસનો અહેવાલ, તા. 23 મે 2013

સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) ગુજરાતનું વર્ષ 2012-13નું બજેટ રૂ. 39 અબજ (રીપીટ 39 અબજ) છે. તેમાં કેન્દ્રનો ફાળો 65 ટકા છે અને દર વર્ષે અબજો રૂપિયાનો વધારો થતો જાય છે. દલિત-આદિવાસી-વંચિત સમુદાયોના ડ્રોપ આઉટ બાળકોને ફરી શાળાના શિક્ષણમાં જોતરવાની આ એક અત્યંત ઉમદા યોજના છે. કોઈ બાળક આઠ વર્ષની ઉંમરે ત્રીજા ધોરણમાંથી ડ્રોપ આઉટ થયું હોય અને બે વર્ષ શાળાની બહાર રહ્યું હોય તો દસ વર્ષે તેને સીધું પાંચમા ધોરણમાં દાખલ કરી શકાય અને તે માટે તેને એસએસએ હેઠળ ખાસ તાલીમ આપવામાં આવે છે. બાલમિત્ર ડ્રોપ આઉટ બાળકોને એકઠા કરીને ત્રણ મહિનાના કે એક વર્ષના ખાસ તાલીમ કેન્દ્રમાં ભણાવે છે અને પછી તેમને તેમની ઉંમર અને આવડત પ્રમાણે જે તે વર્ગમાં દાખલ કરવામાં આવે છે. 

આવી યોજના ગુજરાતમાં સરસ રીતે ચાલે તો ભગવા ભુવાઓનો ધરમ લાજે. એસએસએની જ વેબસાઇટ પર આપેલ સત્તાવાર આંકડાઓનો અભ્યાસ કરતા જાણવા મકેન્દ્રો ળ્યું કે અમદાવાદના ચાલીસ વોર્ડોમાં ચાલતા 547 ખાસ તાલીમ કેન્દ્રો પૈકીના 206 કેન્દ્રો કાગળ પર જ ચાલે છે. આમાંના એકપણ કેન્દ્રમાં કોઈ વિદ્યાર્થી જ નથી. અમદાવાદમાં બાલમિત્રોની ફોજમાં મોટાભાગની બહેનો ભારતીય જનતા પક્ષની ઓશીંગણ છે. કેટલીક બહેનો સાથે વાત કરી. "બહેન તમારા કેન્દ્રમાં કેટલા બાળકો છે?" જવાબ મળ્યો, "વીસ-પચીસ હોય." "હોય નહીં, બહેન કેટલા છે તે કહો." શાકભાજીની લારીવાળો એના ટોપલામાં કેટલા રીંગણા હશે એના વિષે કોન્ફિડન્સથી બોલે છે. આ બહેનોને એમના પોતાના કેન્દ્રમાં કેટલા બાળકો છે તેની ખબર હોતી નથી. ક્યાંક દેરાણી કેન્દ્ર ચલાવે છે, પરંતુ તેનો મોબાઇલ તેની જેઠાણી પાસે છે. અને દેરાણી ક્યાં છે એના વિષે પૂછ્યું તો કહે છે, મીટિંગમાં છે. 

બાલમિત્રની નિમણૂંક માટે કોઈ નિશ્ચિત, ગુણવત્તા આધારિત પ્રક્રિયા નથી. નકરી લાગવગથી, ઓળખાણથી એડહોક ધોરણે બાલમિત્રની નિમણૂંક થાય છે. વાડજની શાળા નંબર-3,4માં અમે ગયા. ક્લસ્ટર રીસોર્સ સેન્ટરમાં બેઠેલી કીર્તિ બહેનના તેવર જોવા જેવા હતા. તે કહેતી હતી, "જલ્દી બોલો, મારી પાસે ટાઇમ નથી. આવા સંસ્થાવાળા તો કેટલાય આવે." ફલાણી બાલમિત્ર એકથી વધારે કેન્દ્રો કેમ ચલાવે છે, એવું પૂછતા તેણે નાક ચડાવીને કહ્યું, તમારે જાણીને શું કામ છે. અમે તમને આવી રીતે માહિતી ના આપીએ. સરકારનો પરિપત્ર લઇને આવો. કેવા વાહિયાત માણસો આ રાજ્યમાં દલિતો-આદિવાસીઓના રહેનુમા બનીને બેઠા છે. દલિતો-આદિવાસીઓના બહેરા-બોબડા રાજકીય પ્રતિનિધિઓને ખરેખર હવે વીજળીના કરંટ આપવાની જરૂર છે. 

દલિત હક રક્ષક મંચે પહેલી મે, 2013એ ગાંધીનગરની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરીને પત્ર પાઠવ્યો અને ઉપરોક્ત આંકડાઓ-તથ્યોથી વાકેફ કર્યા. અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે "અમદાવાદી સરકારી શાળાઓમાં 27,000 ભૂતિયા વિદ્યાર્થીઓ છે," એવું નિવેદન કરેલું એનો રીપોર્ટ પણ જાહેર કરવા મંચે માગણી કરી. પરિણામે, દસમી મેએ કચેરીએ અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર પાઠવીને સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી. (જુઓ ઇન્ડીયન એક્સપ્રેસમાં છપાયેલો રીપોર્ટ). આજે મંચે આરટીઆઈ કરીને ગાંધીનગરની કચેરી પાસે શાસનાધિકારીનો અહેવાલ આપવા માગણી કરી છે. 

આવી અબજો રૂપિયાની યોજનાના નાણા યોગ્ય રીતે વપરાય છે કે નહીં તે કોણ જોશે? કહેવાતા મનુવાદીઓને ગાળો બોલીને બેસી જઇશું? આપણા હાથમાં સત્તા નહીં આવે ત્યાં સુધી કશું થઈ શકે તેમ નથી, એવું કહીને આપણી નિષ્ક્રિયતાને શબ્દોના વાઘા પહેરાવતા રહીશું?