કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 27 મે, 2015

ત્રિશુલ-દિક્ષા નહી, કલમ-દિક્ષા

ઓમપ્રકાશ વાલ્મીકિએ એમની ક્લાસિક આત્મકથાત્મક નવલકથા ‘જૂઠન’માં એમના શાળા જીવનના અનુભવની હ્રદયવિદારક વાત કરી હતી. નાનકડા ઓમપ્રકાશને પહેલા દિવસે જ સ્કુલમાં એવો અનુભવ થયો કે એની છાતીમાં જડાઈ ગયો. માસ્ટરે એને સ્કુલના કમ્પાઉન્ડના વૃક્ષની ડાળખીઓ તોડીને ઝાડુ બનાવવાનું કહ્યું. “अबे ओये चूहरे, उस पेड की टहनियां तोडकर झाडु बणा ले और पूरा मैदान साफ कर दे એ વખતે તો ઓમપ્રકાશના બાપાએ સ્કુલમાં જઇને માસ્ટરને ખખડાવ્યો હતો અને એને કહેલું કે सिर्फ ये नहीं और भी चूहरे इस स्कुल में आएंगे और पढेंगे. तुम देखते रहेना. આજે સિત્તેર વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ નથી. ઉલ્ટાની અસમાનતા વધી છે. હવે ઝાડુ મારનાર કોઈ સ્કુલમાં જઇને એના સંચાલકને ખખડાવી શકે તેવી સ્થિતિમાં છે ખરો?

દલિત હક્ક રક્ષક મંચે ગુજરાત હાઇકોર્ટમાં આરટીઈ એક્ટના 25 ટકા ક્વોટાના અમલ માટે જાહેર હિતની અરજી કરી છે. માત્ર અમદાવાદ શહેરમાં 842 શાળાઓ ખાનગી છે. સરકારે એમાંથી માત્ર 382 શાળાઓને ક્વોટાના અમલ માટે અલગ તારવી છે. જે રીતે પોલિસ સ્ટેશનમાં માર નહીં ખાવાના આરોપીઓ પોલિસને પૈસા આપે છે એમ અહીં ક્વોટાની યાદીમાં દાખલ નહીં થવા માટે ખાનગી શાળાઓ સરકારને પૈસા ખવડાવે છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સીબીએસઈ અભ્યાસક્રમની અંગ્રેજી માધ્યમની રચના સ્કુલ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ સ્કુલમાં આરટીઈ એક્ટ અંતર્ગત 25 ટકા ક્વોટા હેઠળ વંચિત વર્ગોના એકવીસ વિદ્યાર્થીઓને પ્રવેશ માટેનો લેખિત આદેશ આપ્યો છે. છેક એપ્રિલમાં આ શાળાનું સત્ર શરૂ થઈ ગયું છે અને હાલ તો વેકેશન છે. ગરીબ વિદ્યાર્થીઓને તત્કાલિક પ્રવેશ આપવાના બદલે શાળાના ટ્રસ્ટીઓ વાલીઓના ઘરે જઈને મકાનોના ફોટા પાડી રહ્યાં છે, એવું પૂરવાર કરવા કે તેઓ બીપીએલ કેટેગરીમાં આવતા નથી. ચમનપુરામાં એક વાલીના ઘરે ગયા ફોટા પાડવા તો ટ્રસ્ટીઓ હેબતાઈ જ ગયા, કહે છે, ”અરે, આ તો મચ્છી કાપે છે. છી! છી! છી!”

દલિત હક્ક રક્ષક મંચે આરટીઈ એક્ટ-2009ના રીટ્રોસ્પેક્ટિવ અમલ માટે પીઆઈએલ કરી છે. મુદ્દો એવો છે કે કેન્દ્ર સરકારે 2009માં કાયદો ઘડ્યો, ગુજરાત સરકારે નિરાંતે ત્રણ વર્ષ પછી છેક 2012માં નિયમો ઘડ્યા અને હજુ એનો અમલ કરતા ચૂંક આવે છે એટલે કહે છે કે આ અમારો પાયલોટ પ્રોજેક્ટ છે. અમે કહીએ છીએ, 2009 પછી 2010માં જે બાળકોએ પહેલા ધોરણ પ્રવેશ લીધો હતો એ બધા અત્યારે ચોથા-પાંચમા ધોરણમાં છે. એમાં જે કોઈ બાળકો ગરીબ હોય તેમના આધાર-પુરાવા મેળવીને ફી માફીનો લાભ આપો. રૂ. 100 કરોડ જેવી મામુલી રકમ જોઇશે. ગુજરાતના ગરીબ બાળકોના શિક્ષણ માટે એ કંઈ ઝાઝી રકમ નહીં હોય.

ખરેખર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિશાળો એરકન્ડિશન્ડ અને અંગ્રેજી માધ્યમની હોવી જોઇએ. બાળકને ઘરે જવાનું મન જ ના થાય. એને સરસ ક્વોલિટી એજ્યુકેશન મળે. દલિત હક્ક રક્ષક મંચે અમદાવાદ કોર્પોરેશનની સ્કુલોમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવા ગયા વર્ષે મેયર અને શાસનાધિકારીને આવેદનપત્રો આપ્યા હતા.

ગઈ સાલ ગુજરતમાં આરટીઈ એક્ટ હેઠળ 25 ટકા ક્વોટાના અમલ માટે ગુજરાત સરકારે માત્ર રૂ. 11 કરોડ ફાળવ્યા હતા. ગુજરાતમાં 2 લાખ બાળકોને આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવા માટે માત્ર રૂ. 200 કરોડ જોઇએ. સર્વ શિક્ષા અભિયાન જેવી તદ્દન ફાલતુ યોજના પાછળ ગયા વર્ષે રૂ. 1300 કરોડ ગુજરાત સરકારે વેડફ્યા હતા, સર્વ શિક્ષા અભિયાન એટલે ભૂતિયા બાળકો, એકથી વધુ કેન્દ્રો સંભાળતા બાળમિત્રો. ભાજપના કાર્યકરોને પોષવા માટે સર્વ શિક્ષા અભિયાન ચાલે છે. એનાથી ગરીબ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતુ નથી.

મને કોકે પૂછ્યું કે 25 ટકા ક્વોટામાં પ્રવેશ માટે એસસી/એસટી માટે રૂ. બે લાખની અને ઓબીસી માટે રૂ. લાખની મર્યાદા કેમ? મેં કહ્યું લાખ રૂપિયા કમાવવામાં જેટલી મજુરી ઓબીસીને કરવી પડે એટલા જ રૂપિયા કમાવા માટે એસસી/એસટીને ડબલ મજૂરી કરવી પડે એવી ગણતરી સરકારે કરી હશે!

હું દલિતોના ગેઝેટેડ અધિકારીઓની સંસ્થા ”લક્ષ”માં ગયો. એમને કહ્યું, તમે બધા ચાલીઓમાંથી જ આવો છો. હવે તમારી પાસે ઇકોનોમિક પાવર છે, પરંતુ તમે માત્ર સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જ રસ લો છો. દલિત યુવાનોને મામલતદાર, અધિકારી બનાવવા માંગો છો. આ બાબત ખોટી નથી, પરંતુ, આ તો દૂધ ઉકાળીને મલાઈ તારવવાની વાત છે. હું ગુણવત્તાયુક્ત દૂધ માટે એટલે કે, પહેલા ધોરણથી આરટીઈ માટે લડું છું.  તમારૂ લક્ષ દલિત સમાજના ગરીબો માટે હોવું જોઇએ.

2001ના સેન્શન પ્રમાણે ગુજરાતમાં અનુસુચિત જાતિઓની વસ્તી 40 લાખ હતી. એટલે કે, 8 લાખ પરિવાર. તેમાં 12 હજાર પરિવારો પાસે મોટર કાર હતી, સવા લાખ પરિવારો પાસે દ્વિચક્રી વાહનો હતા, બાકીના અંદાજે સાડા છ લાખ પરિવારો પાસે સાઈકલ હતી. દસ વર્ષમાં ગુજરાત બહુ જ વાઈબ્રન્ટ બન્યું. બહુ જ વાઇબ્રન્ટ બન્યું. ગુજરાત ભારતનું કેલિફોર્નિયા બની ગયું. હવે 2011માં વીસ હજાર પરિવારો પાસે મોટરકાર, 2 લાખ પરિવારો પાસે સ્કૂટર, બાઈક હશે. વસ્તી પણ વધીને પીસ્તાલીસ લાખ થઈ. નવ લાખ  પરિવારો થયા. હજુ સાડા છ લાખ પરિવારો પાસે સાઈકલ છે. આ પરિવારોને જરૂર છે આરટીઈ એક્ટની. પરંતુ, અફસોસ. દલિત સમાજના સાધન સપંન્ન લોકો, જેઓ પોતાના બાળકોને ઉંચી ફી ભરીને હાઈ ફાઈ શાળાઓમાં ભણાવી શકે છે તેમને ગરીબ બાળકો માટે આરટીઈનો અમલ કરાવવામાં લગીરે રસ નથી.

ગુજરાત સરકાર આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળકો માટેના 25 ટકા ક્વોટા પાછળ નાણા ફાલવવા માંગતી નથી ગરીબોના બાળકોના શિક્ષણ પાછળ પૈસા વપરાશે, તો રીવરફ્રન્ટ પર ગરબા ગાવાના, પતંગ ઉડાવવાના, રણોત્સવ યોજવાના પૈસા ક્યાંથી લાવીશું?

ગુજરાતના ગરીબ બાળકોના પ્રાથિમિક શિક્ષણ માટે પાછલા દસ વર્ષમાં કશું જ થયુ નથી. અને હવે દેશમાં પણ કશું થવાનું નથી. દેશના વડાપ્રધાન દુનિયાના દેશોમા જઇને તંબૂરો વગાડતા રહેશે.

દેશમાં નિરક્ષરતાનું આભ ફાટ્યું છે, આરટીઈ એક્ટ તો માત્ર થીંગડું છે.

વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો” એવી કહેવત હતી. હવે એવું કહેવાની જરૂર છે કે, “કોંગ્રેસ, મરો, ભાજપ મરો, પણ અમારા બાળકના શિક્ષણનું કાંક કરો.”

ભ્રષ્ટાચાર કરતા પણ વધારે મહત્વનો મુદ્દો શિક્ષણનો છે, અદાણી, અંબાણી, ટાટા, બિરલાને કહીએ, તમારે જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય તેટલો કરો, પણ અમારા બાળકોના શિક્ષણનું કાંક કરો.

જયપ્રકાશ નારાયણના એજન્ડામાં પણ શિક્ષણનો મુદ્દો નહોતો. આજે કોઈ રાજકીય પક્ષના એજન્ડામાં શિક્ષણનો મુદ્દો અગ્રસ્થાને નથી. પરંતુ આપણે કે. જી.થી પી. જી. સુધી મફત શિક્ષણ માટે શેરીઓમાં યુદ્ધ કરવું પડશે.

ત્રિશુલ-દિક્ષાની નહી, કલમ-દિક્ષાની જરૂર છે.

(અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આવેલા બીહેવીયરલ સાયન્સ સેન્ટરમાં 24 મે, 2015એ આરટીઈ એક્ટ પર યોજાએલા સેમિનારમાં રજુ કરેલા કેટલાક મુદ્દાઓ.